સોલંકી વંશ અને માધાપર એ લેખના લેખકના કથન અનુસાર સોલંકી વંશના મુળ પુરૂષ વાછરા દાદાના વંશના શ્રી હેમરાજ હલદાસ સોલંકી ઇ.સ. 1309માં અન્ય કુટુંમ્બો સાથે ધાણેટી આવી વસ્યા. તેમની ત્રીજી પેઢીએ શ્રી માધા કાનજી સોલંકીએ ઇ.સ. 1474માં ધાણેટીથી સ્થળાંતર કરી માધાપર ગામને તોરણ બાંધ્યું. તેમના નામ પરથી માધાપર નામ પડ્યું. આમ તે ભુજ કરતાં વહેલું વસ્યું હો.
કચ્છના આપણા સમાજના ગામોમાં માધાપરનું સ્થાન મહત્વનું છે. સમયના પરિબળના કારણે સમાજના અન્ય ગામોની ભૂતકાળની આબાદી અને આજની સ્થિતિમાં જેવડું વિશાળ અંતર જણાય છે તેવું અહિં જણાતું નથી. ભુજ-કંડલા નેશનલ ધોરીમાર્ગ પર જ નદી કિનારે આવેલ આ ગામ ભુજથી અંદાજે બે માઇલના અંતરે આવેલ હોતાં તેનું મહત્વ યથાવત જણવાઇ રહ્યું છે. બલ્કે અત્યારે વધી ગયું છે. અનેક લોકો આજે માધાપર રહી ભુજ નોકરી, રોજગાર કે વ્યવસાય માટે જાય છે. ગામમાં નળ, ઇલેક્ટ્રીક, ટેલીફોન, બેંક હિસ્પીટલ વિગેરેની અદ્યતન સગવડ હોતાં તે ભુજનાં પરાં જેવું જ બની ગયું છે. ખાસ કરીને નવાવાસ કે જ્યાં કણબી પાટીદારોની મોટા ભાગની વસ્તી છે તેની પ્રગતિ અને રોનક ખાસ ધ્યાન ખેંચે તેવી છે. વાડીઓ વાળું ગામ છે. જો કે આપણા સમાજ ભાઇઓની વાડી હવે ખાસ રહી નથી. તો એ રોજગારીની દૃષ્ટીએ અન્ય ગામો કરતા સ્થિતિ વધુ સંતોષપ્રદ છે. ગામમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત કન્યાશાળા અને બાલમંદિર ઉપરાંત નવા વાસમાં હાઇસ્કુલ પણ છે. આ સિવાય નવા વાસમાં અનેક પ્રિકારના વ્યવસાયના સાધનો ઉપરાંત સહકારી મંડળી પણ છે.
ગામમાં કુલ બાર મંદિરો છે. ગામનું તેમજ ગામ બહારનું મંદિર અને ધર્મશાળા સ્વ. શ્રી માંડણભાઇ જીવાણી ચૌહાણે અને ગામનું તળાવ સ્વ. શ્રી જગમાલભાઇ ભીમજી રાઠોડે બંધાવેલ છે. ગામના સ્મશાનમાં સ્વ. રી માધવજી જગમાલ રાઠોડે સગવડ કરી આપી છે., તેમજ સમાજ માટે જમીન અને એક મકાન સ્વ. શ્રી દેવજી પ્રેમજી રાઠોડે અર્પણ કરેલ છે.
કચ્છમાં સમાજની સામાજીક અને શૈક્ષણીક પ્રવૃત્તિઓના કાર્યભાર ગામના ભાઇઓ ઉત્સાહપૂર્વક સંભાળતા આવ્યા છે. વર્ષોથી ભુજ વદ્યાર્થી ભવન, કેળવણી મંડળ ફંડ અને શ્રી નૂતન કેળવણી મંડળ કચ્છની વહીવટી જવાબદારી અગ્રેસર ભાઇઓ સંભાળતા આવ્યા છે. જેમાં શ્રી નારાયણ મનજી રાઠોડનું યોગદાન ખુબજ મહત્વનું રહ્યું છે. તેમાંએ મહાસભાની સ્થાપના બાદ તેની કચ્છની પ્રવૃત્તિઓ દુષ્કાળ રાહત વિતરણ શ્રી ક.ગુ.ક્ષ. સાર્વજનિક ટ્રસ્ટ તેમજ સ્વ. શ્રી લીરાબાપાના ટ્રસ્ટોની કચ્છ ખાતેની સમગ્ર જવાબદારી કચ્છ પ્રાદેશિક સમિતિના પ્રમુખશ્રી નરસિંહભાઇ મનજી રાઠોડે અંતરની લગન અને સંન્નિષ્ઠ સેવાભાવના પૂર્વક સંભાળી રહ્યા છે. તેઓ શ્રી બીજી અનેક સામાજિક અને વ્યાપારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
કચ્છ રેલવેમાં પ્રથમ કાર્ય કરનાર શ્રી નારાયણ પ્રેમજી તથા સમાજના પ્રથમ ગ્રેજ્યુએટ શ્રી માધવજીભાઇ અર્જુન ચૌહાણ આ ગામના વતની હતા. અહિં શ્રી અરજણભાઇ માંડણનું સદાવ્રત ચાલતું હતું.
આ ગામના મુખ્ય સમાજસેવી અને પરમાર્થી દાનવીરો પૈકી સ્વ. શ્રી જગમાલભાઇ ભીમજી તથા શ્રી કરશનભાઇ ભીમજી અને સ્વ. શ્રી મનજીભાઇ જેરામ રાઠોડનાં નામો ખાસ ઉલ્લેખનિય છે. શ્રી જગમાલભાઇ ભીમજીએ નાતતેડું કરી હેલોની લ્હારી કરી હતી.
ઘટકના પ્રમુખશ્રી હીરજીભાઇ વાલજી રાઠોડ અને મંત્રી શ્રી પુરૂષોતમ રણછોડ રાઠોડ છે.